પ્રકરણ:૮ પૂર્વાર્ધ
(રાત્રે ૨:૪૯ કલાકે)
યોગીતાના પિતા ફોન કરી રહ્યા હતા. ગિફ્ટ સિટીના
બંજર પ્રદેશમાં તેનો ફોન પડ્યો પડ્યો રણકી રહ્યો હતો, ફ્લેશલાઇટ ચાલુ હતી. લગભગ ૨:૦૦ કે ૨:૧૫એ તે
ઘરે આવી જતી, અત્યારે ત્રણ વાગવા આવ્યા. યોગિતા ફોન ન હતી
ઉપાડી રહી. તેના મમ્મી-પપ્પાને ચિંતા થવા લાગી. તેના પપ્પાએ
ટાવર-IIમાં કોલ કર્યો. ગ્રાઉંડ ફ્લોરના રિસેપ્શન પરથી જાણવા
મળ્યું, તે ૧:૩૦ વાગે જ નીકળી ગઈ હતી. હજુ તે ઘરે ન હતી આવી.
તેમણે યોગિતાને શોધવા નીકળી પડ્યા. આ નગરમાં મોત આસપાસ ભટકે છે. એવામાં દીકરીનું
ઘરે ન આવવું, ફોન ન ઉપાડવા સારા સૂચક ન હતા. મા-બાપ તેમની દીકરી
અંગે ચિંતિત હતા. તેની માતાએ રડતાં-રડતાં દીવો કર્યો અને દીકરીની સુરક્ષા માટે
પ્રાર્થના કરી.
ગ્રાઉંડ ફ્લોરના સુરક્ષાકર્મીએ ઉચ્ચ અધિકારી એટલે
કે રોનાલ્ડને કોલ જોડ્યો. સૌ સાથે જ છૂટ્યા હતા. આજે ઓફિસમાં યોગીતાએ જે કર્યું
હતું, એ મુદ્દાને અને તેના ગાયબ થવાને જોડાણ હોય શકે
છે? બે ઘડી વિચારતો રહ્યો. સુરક્ષાકર્મીને કહ્યું તે પાંચ
મિનિટમાં કોલ કારશે.
ઓફિસથી ઘરે આવ્યા બાદ આરવનું મન વંટોળે ચડ્યું
હતું. જો ભંવર એક નાની અમથી વાતમાં આટલું મોટું કારસ્તાન કરી શકે, તો ગીતાંજલીમાં તેણે શું શું કર્યું હશે? ભંવર કઈ છુપાવી રહ્યો હશે? બેગ લઈને મંદિરમાં જવું, રૂમ ફ્રેશનર જેવી સુગંધ આવવી. આ વર્તન સામાન્ય ન હતું લાગતું. ગીતાંજલીને
પણ ભંવરની લફરાબાઝીથી વાંધો હતો. જરૂર કઈક રહસ્ય હતું તે બેયની વચ્ચે.
“મનેય લાગે છે, અનિન્દ્રાનો રોગ થયો છે. ઊંઘ નથી આવતી...” આરવ બબડ્યો અને પડખા ફેરવતો
રહ્યો.
ઊંઘ ન આવતા તે ઉઠ્યો ગીતાંજલીના કેસની ફાઇલ
વાંચવાનું શરૂ કર્યું. મનોમન નક્કી કર્યું આ કેસ ઉકેલીને જ રહેશે. તેને ક્યાં ખબર
હતી, તેનું આ જક્કીપણું તેની જિંદગી ભરખી
લેવાનું હતું. રોનાલ્ડે આરવને ફોન કર્યો, એમ વિચારતા કે, એ ગાંડો યોગિતાને સમજાવા કે વાત કરવા ક્યાંક લઈ ના ગયો હોય તો સારું. જો
તે એની પાસે નહીં હોય તો એને ના જણાવાય યોગિતા ખોવાઈ ગઈ છે. માટે આડકતરી રીતે પૂછ્યું:
“હલો…”
“બોલ ભાઈ.” આરવે કહ્યું.
“જાગે છે કે સૂઈ ગયો’તો?”
“જાગું છું, ગીતાંજલીની ફાઇલ જોવ છું.”
“બરાબર. તે યોગીતાને કઈ
વાત નથી કરીને?”
“શેના વિષે?”
“કોઈપણ. તું એનું નામ ના
લેતો. ખોટી ભંવરને કઈક વાત કે’ અને
નવા ઇસ્યુ ઊભા થાય વગર કામના.”
“સારું. તે મને એ કે’વા અત્યારે ફોન કર્યો?”
“હા, તું જાગતો હોય છે એટલે મેં કીધું લાવ કહી
દેવા દે.”
“સારું. મારી પાસે એનો
નંબર નથી નથી, ‘ને હું એની સાથે કોઈ વાત કરવા પણ નથી માંગતો.”
“ઓકે, ઠીક છે, ગુડ નાઈટ!”
“ગુડ નાઈટ.” તેણે ફોન
મૂક્યો. બાદ તેણે ભંવરને કોલ જોડ્યો.
“ભંવર સાહેબ... સોરી આટલી
મોડી રાતે ફોન કરવા બદલ.”
“વાંધો નહીં. બોલ રોનાલ્ડ.
શું થયું?”
“સર, મારે હમડા જ આરવ સાથે વાત થઈ એને ખૂબ જ
ખોટું લાગ્યું પણ એને મેં સમજાવ્યો છે. પાછું તમારા અને યોગિતા વિષે ખબર પડતાં દુખ
લાગ્યું...(તેની-ભંવરની વાત ચાલતી હતી એ જ ક્ષણે ટાવર-IIમાં
લાઇટ ગઈ.) માટે તમને રિકવેસ્ટ કરું છું, હમડા થોડો સમય બ્રેક
પાડજો એની સાથે.”
“ઓકે.”
“એ તમારી સાથે તો નથી ને
અત્યારે?”
“ના ભાઈ, હોતું હશે.” ભંવર બોલ્યો. રોનાલડું અમસ્તું
હસ્યો:
“ઓકે, ઠીક છે. ગુડ નાઈટ!”
“ગુડ નાઈટ!” પછી તેણે ટાવર-IIના સુરક્ષાકર્મીને કોલ જોડ્યો:
“તમારા ગાર્ડ્સને આજુબાજુ
વિસ્તારમાં મોકલી દો, જોવો કઈ
સુરાગ મળે છે.”
“સર, મને આ પેલું લાગે છે. તમને નૈ લાગતું?”
“મનેય એવું જ લાગે છે પણ
એના પપ્પાને ના કહેતા.”
“ઠીક છે પણ અમે તપાસ કરવા
જઈએ અને ખૂની અમારા પર ફાયર કરશે તો?”
“ચિંતા ના કર, એ એક દિવસમાં એક જ ખૂન કરે છે.”
“પણ સર એ તો એના બચાવ માટે
ગોળી ચલાવી શકે છે ને?”
સુરક્ષાકર્મી બ્હાર જીવના જોખમે ન જવું પડે માટે પાંગળી દલીલ કરી રહ્યો હતો.
“તો તમારી પાસે ટીકડી ફોડવાની
બંદૂક નથી! એનો ઉપયોગ કરો! હું આવું છું થોડીવારમાં.” તે થોડો ચીડાયો.
“ઓકે સર, લાઇટ આવે એટલે નિકળીએને?”
“શું?”
“ટાવર-IIમાં લાઇટ નથી.”
“ઠીક છે, ત્યાં સુધી બધાને ભેગા કરી રાખ. યોગીતા
એટલામાં જ હશે.”
“ઠીક છે સર.”
તેણે ફોન મૂક્યો. અઠવાડીયા પહેલા ૧૩ અથવા ૧૪ તારીખે
પણ રાત્રે લાઇટ જતી રહી હતી. આ બીજીવાર બન્યું છે. તે નેલ્સનના કક્ષમાં ગયો, તેને ઉઠાડયો.
“પટેલ, ઊભો થા.” ઢંઢોળતા કહ્યું. નેલ્સન ઊંઘમાં
હતો, કઈ પ્રતિકાર ન આપ્યો.
“મારે ૮ વાગે સુરત જવાનું
છે.” તે ઊંઘમાં બબડ્યો. તેણે ફરી ઢંઢોળ્યો: “પટેલ! ઊભો થા હાલ! ઓફિસ જવાનું છે.”
“હઁઅઅઅ...? શું...?”
“ઓફિસ જવાનું છે ચલ.”
“સાડા ચાર વાગી ગયા? આટલી જલ્દી?” તે
દિવસના સાડા ચાર સમજ્યો.
“ના હજી ૩ વાગે છે.”
“સારું, મને ૩:૩૦ વાગે ઉઠાડ્જે...” કહેતા તેણે પાછી
રઝાઇ ઓઢી. રઝાઇ ખેંચતા રોનાલ્ડ બોલ્યો: “બે રાતના ૩ વાગે છે. ઊભો થા! યોગિતા નથી
મળતી. ઈમરજન્સી કોલ આવ્યો છે ઓફિસમાંથી!”
નેલ્સન સફાળો બેઠો થયો. તરત હોશમાં આવી ગયો હોય એમ
ચૂપચાપ પેન્ટ અને ટીશર્ટ પહેરવા લાગ્યો. બંને ગાડી લઈ ગિફ્ટ સિટી રવાના થયા.
નેલ્સન સીટ પર ઊંઘી ગયો.
“મારે બેકઅપમાં માણસ જોઈએ
એટલે તને આવવા કહ્યું.” રોનાલ્ડ બોલ્યો.
“પાંચમું ખૂન થઈ ગયું કે
શું?” પટેલ બોલ્યો, તે હજી
ઊંઘમાં હતો.
“ખબર નહીં, યોગિતા છૂટી ત્યારથી નથી દેખાતી.”
“ભંવર જોડે ગઈ હશે.” પટેલ
બોલ્યો. બહુ મજાની જોક કહી હોય એમ રોનાલ્ડ હસવા લાગ્યો. જેથી કરીને નેલ્સન થોડો
સ્વસ્થ બને.
“ભાઈ, મેં પૂછ્યું એને. એની જોડે નથી, આરવને પણ ફોન કર્યો એને પણ નય ખબર.”
“હમ્મ...” કહી નેલ્સને
આંખો બંધ કરી.
તેઓ ગિફ્ટ સિટીમાં પ્રવેશ્યા. ટાવર-I&II બંનેમાં દૂરથી અજવાળું દેખાઈ રહ્યું
હતું અર્થાત, વીજળી આવી ગઈ હતી. ચાર સુરક્ષાકર્મી યોગિતાને
શોધવા નીકળ્યા હતા. તેમની સાથે વોકી-ટોકીથી સંવાદ ચાલુ હતો. યોગીતાના પિતા
રિશેપ્શન પાસે બેઠા હતા. તેઓ સંવાદ સાંભળી રહ્યા હતા. હજુ સુધી કોઈ પગેરું હાથ
ઝડયું ન હતું. નેલ્સન-રોનાલ્ડ રિશેપ્શન પર આવ્યા. હાજર સુરક્ષાકર્મીએ અત્યાર
સુધીનો અહેવાલ જણાવ્યો.
“સર, એક મોબાઈલ મળ્યો છે,
ફ્લેશલાઇટ ચાલુ છે.” વોકી-ટોકીમાંથી અવાજ આવ્યો. રોનાલ્ડે વોકી-ટોકી હાથમાં લીધું:
“બીજું કઈ છે? જોવો ત્યાં. એની ગન, એનું પર્સ, ચપ્પલ કે સેન્ડલ... તપાસ કરો આસપાસ.”
“બીજું... (સુરક્ષાકર્મી
તપાસ કરતાં બોલ્યો) બસ, સર અહીં
એટલું જ છે. બાકી કઈ આસપાસ નથી. અમે શોધી રહ્યા છીએ.”
“ઓકે, અત્યારે ક્યાં છો તમે?”
“હેબતપુર નીકળાય એ બાજુના
રસ્તે.”
“હેબતપુર એટલે ઉત્તર.
ત્યાંથી આગળ અંધારું વધી જાય છે. તમારી પાસે ટોર્ચ છે?” રોનાલ્ડે પૂછ્યું.
“ના, સર. ફોનની લાઇટ ચાલુ કરી છે.”
“ઠીક છે, તમે ત્યાં ઊભા રહો,
અમે આવીએ છીએ. આગળ સાથે જઈએ.”
“ઓકે સર.”
“નીચે ધ્યાન રાખજો. કોઈના પગલાં
પર પગ ના મુકાઇ જાય. ‘ને તપાસ
કરો કઈ મળે તો.”
“ઠીક છે.” સામેથી જવાબ
આવ્યો.
રોનાલ્ડે પોલીસને જાણ કરી, ઈન્સ્પેકટર દિલદારસિંહ પેટ્રોલીંગ કરી
રહ્યા હતા, તેમણે ગિફ્ટ સિટી બાજુ વળ્યા. રોનાલ્ડ,નેલ્સન અને યોગીતાના પિતા ટોર્ચ લઈ ગાડીમાં બેઠા અને તે ગુમ થઈ એ જગ્યાએ
આવ્યા. ચારેય સુરક્ષાકર્મી ત્યાં ઊભા હતા. યોગિતાના પિતાએ પુષ્ટિ કરી મળી આવેલ
મોબાઈલ યોગીતાનો જ હતો. જમીન પર કોઈ ખાસ નિશાન ન મળ્યા. સિવાય કે ગાડીના પૈડાં. જે
હેબતપુર તરફ જઈ રહ્યા હતા. આ રસ્તો ઉપયોગમાં લેવાતો માટે ચોક્કસ ન કહી શકાય કે
નિશાન એ જ ગાડીના હશે. તેઓ શોધતા-શોધતા મુખ્ય રોડ સુધી આવી
ગયા પણ અફાટ ખાલી રસ્તા જેમ સુરાગ પણ ખાલી હતા.
દસેક મિનિટમાં દિલદારસિંહ ઘટના સ્થળ આવી પહોંચ્યા.
રોનાલ્ડ-ચારેય સુરક્ષાકર્મી પાછા વળ્યા. મુખ્ય સવાલ
એ હતો પોલીસ કેસ કરવો કે કેમ? કારણ ઘટના ઘટે હજી ત્રણ કલાક
પણ ન હતા થયા. પોલીસે તપાસ આદરી, ફરી જે જગ્યાએ મોબાઈલ મળ્યો
હતો, તે સ્પોટ પર દિલદારસિંહ, નવઘણ, રોનાલ્ડ, નેલ્સન અને યોગિતાના પિતા આવ્યા. સાડા ચાર
વાગ્યા. અન્ય પોલીસ અફસર પણ આવી ગયા હતા, નેલ્સનને સવારે ૭
વાગે સ્ક્વોડ લઈ સુરત જવા નીકળવાનું હતું. પાંચ વાગે બંને એપાર્ટમેંટ પાછા આવ્યા
અને સીધા પથારીમાં પડ્યા. છ વાગે અલાર્મ વાગ્યો. નેલ્સન જાગ્યો અને મિશન પર જવાની
તૈયારી આરંભી. તે મનોમન બબડ્યો ‘જો આમને આમ બે-બે અને ત્રણ-ત્રણ
કલાકની ઊંઘ લેતો રહીશ તો મને પણ અનિન્દ્રાનો રોગ લાગુ પડી જશે, ‘ને શું ખબર એક દિવસ મારી લાશ પણ બાથરૂમમાં મળી આવે.
વિચારું છું કેટલા લોકો અનિન્દ્રામાં જીવતા હશે?’
*
બીજા દિવસે ૧૧માં માળે આરવ આવ્યો. ઉપર કર્મચારીઓએ
તેમનું કાર્ય યથાવત રાખ્યું. તેને હજી કોઈ કામ સોંપવામાં આવ્યું ન હતું. તે બેસી
રહેતો, આમ-તેમ આંટા મારતો,
કંટાળો આવતા ઝારા કે સ્ક્વોડના સભ્યોને ફોન કરતો. એ લોકો પણ ક્યાં સુધી વાત કરવાના? એમને કામ કરવાના રહેતા. ફોન મૂક્યા પછી તે પાછો કંટાળતો. આખો દિવસ બારી
બ્હાર જોયા કરતો. બ્હાર રતનપુર ગામ દેખાતું. ગામમાં દેખાતા મંદિર તે ગણતો. ઉપરના
માળે ફોન લઈ જવાની છૂટ હતી. તે હેંડ્સફ્રી ભરાવી ફોનમાં ફિલ્મ જોતો. જમવાનો સમય
થતાં, જગ્યા પર જ ફિલ્મ જોતાં-જોતાં જમી લેતો, આ રીતે તે સમય પસાર કરતો હતો.
રાતે દસ વાગ્યા આસપાસ જોગાનું જોગ તેનું ધ્યાન બારી
બ્હાર પડ્યું. દક્ષિણ માર્ગે સફેદ ગાડી જતી દેખાઈ, જે ગઇકાલે દેખાઈ હતી. અંધારામાં જતાં લાઇટ દેખાતી બંધ થઈ. એકાએક તેને યાદ
આવ્યું:
“અબે... આ તો ભંવરની ગાડી
છે!” ફરી હમણાં જોયેલું દ્રશ્ય યાદ કરવા લાગ્યો. સફેદ રંગની પોરશા ગાડી. ત્યાં શું
હતું? ભંવર ત્યાં કેમ ગયો? તેનું
મગજ ચકરાવે ચઢ્યું. એ જ ક્ષણે ગાડીની લાઇટ ચાલુ થઈ, ગાડીએ U
ટર્ન લીધો. આરવ જોઈ રહ્યો. ગાડી જમણી તરફ વળી. રસ્તાની દીવાગત્તીમાં
ગાડી આવતા તેણે ખરાઈ કરી. આ ૯૯% ભંવરની જ ગાડી હોવી જોઈએ.
એ બાજુથી હેબતપુર ગામ તરફ જવાતું અને એ જ રોડ
ટાવર-૨ પાછળ નીકળતો. ભંવર પાછળના પાર્કિંગથી જ ઓફિસ આવતો. તેનું ઘર ટાવરની સામેની
દિશાથી નજીક પડતું છતાં, ભંવર
પાછળના પાર્કિંગથી ઓફિસ આવતો. મતલબ અર્થ એનો એ થયો કે જરૂર કઈક જોલ છે. આરવ નીચે
ઉતર્યો. પાર્કિંગમાં જઈ જોયું. ભંવરની ગાડી પાર્કિંગમાં હતી. તેણે બાઇકને કીક મારી, દક્ષિણ માર્ગ તરફ હાંકયું.
જે જગ્યાએ સફેદ ગાડી ઊભી રહી હતી, એ જ સ્થળે તેણે મોટરસાઇકલ ઊભી રાખી. જાણે
કોઈ મડદું સડી ગયું હોય એવી ગંદી વાસ આવી રહી હતી. તે વાહન પરથી ઉતર્યો. આ વાસ તેને
પરિચિત લાગી રહી હતી. તે યાદ કરી રહ્યો હતો, એ જ ક્ષણે ચાર
જંગલી કુતરા ભસતા એની તરફ આવ્યા. આરવ બીકના માર્યો મોટરસાઇકલ પર સવાર થયો અને પાછો
વળ્યો. ચારેય કુતરા તેની પાછળ પડ્યા, થોડીવાર વાહન પાછળ દોડી
ઊભા રહી ગયા અને ભસતા રહ્યા. આરવ રમરમાટ બાઇક દોડાવતો ભાગ્યો. તેને ખરેખર કૂતરાની
બહુ બીક લાગતી. કુતરા જાડી ઝાંખરાં તરફ પાછા વળ્યા અને માંસ ખાવા લાગ્યા. આરવને દિવસના
અજવાળામાં તપાસ કરવી વધુ સુરક્ષિત લાગી.
શું ખરેખર તે ગાડી ભંવરની જ હતી. ત્યાં મડદાની વાસ
મારતી હતી. કઇપણ હોય શકે. કોઈ પ્રાણીની લાશ પણ હોય શકે છે પણ ત્યાં માર્ગના
અધવચ્ચે ગાડી ઊભી રાખવાનો હેતુ શું? ભંવર કોઈનું ખૂન કરી લાશના ટુકડા અહીં ફેંકયા હશે?
યોગિતા કાલ રાતની ગાયબ છે, શું ભંવરે કઈ કર્યું હશે? ઓફિસ પરત આવતા તે આ બધુ વિચારી રહ્યો હતો.
*
તૃપ્તિએ જાણકારી મેળવી લીધી હતી. તેણે
ઝારા-રોનાલ્ડ-ભંવરને તેના ડેસ્ક પાસે બોલાવ્યા. ઝારા પણ ગુલશોખ હબી અને તેની સાથે
જોડાયેલા આતંકીઓને શોધી રહી હતી. તૃપ્તિએ કડી મેળવી લીધી હોય એવું લાગ્યું.
રોનાલ્ડ પણ છ માસથી ત્રાસી ગયો હતો. ગિફ્ટ સિટીમાં ઓફિસ આવ્યા પછી, એક પછી એક જવાબદારીઓ વધી ગઈ હતી, પાછા સૌને માર્ગદર્શન આપવાનું દરેકની સ્ક્વોડના મિશન પર ધ્યાન રાખવાનું.
હવે ફક્ત નેલ્સનનો મિશન બચ્યો હતો એ પણ સવારમાં તેની ટિમ સાથે નીકળી ગયો હતો. બસ, જલ્દી ઈંટરપોલ સાથેનો મિશન પૂરો થાય એટલે સૌ છૂટા પડે તેની રાહ જોઈ રહ્યા
હતા. ત્રણેય તૃપ્તિના ડેસ્ક પર આવ્યા.
“વૃશ્વિક મેં કહ્યું હતું
ને હું શોધી નાખીશ આતંકીઓના દક્ષિણથી આવવાના કારણ. જવાબ મળી ગયો છે અને હવે આપડે
ખાલી ત્યાં તપાસ હેતુ પોલીસ મોકલવાની છે.” તેણે કહ્યું.
“કઈ જગ્યાથી એ લોકો આવ્યા
છે?” ભંવરે પૂછ્યું.
“કચ્છથી ગુજરાતમાં આવવું
એટલે બધા જ રસ્તા પર કડક દેખરેખ હોય પણ જો બોટથી પાણીના રસ્તે આવે તો પકડાવાની
શક્યતા થોડી ઓછી થઈ જાય છે. ૨૬/૧૧ જેમ. કેટલી બધી નાવડીઓ રોજ આવે અને જાય છે સ્પોટ
કરવું મુશ્કેલ પડે પણ આ લોકો ડેક કે બંદર પર જવાની ભૂલ નહીં કરે... (તેણે કમ્પ્યુટરમાં
નક્શો બતાવ્યો)
જુવો, પોરબંદરથી પડતાં દરિયાકિનારાના રસ્તા... સીધા મેઇન હાઇ-વેથી જુનાગઢ તરફ
આવે છે. આ જે રેડ સ્પોટ મેં માર્ક કર્યા છે, ત્યાં
પેટ્રોલીંગ કરવું પડશે. ૯૯% એ લોકો ત્યાંથી જ આવ્યા હોવા જોઈએ. પોરબંદર પર્યટકોને આકર્ષતી
જગ્યા છે અને બીજું ત્યાંથી જુનાગઢ પાસે પડે છે. ભવનાથની તળેટીને ચોક્કસ તે લોકો
ટાર્ગેટ કરશે. ત્યાં દામોદર કુંડ છે. વિચારી જુવો આશરે ૩થી૪ હજાર માણસો સાંજે
પર્યટન હેતુ આવતા હોય છે. આ હાઇ એલર્ટ છે. આપડે પોરબંદર વહેલી તકે જાણ કરવી પડશે.”
તે બોલી.
“એક મિનિટ તૃપ્તિ. ૨
શંકાસ્પદ માણસો અંબાજી એક હોટલના સીસીટીવીમાં આવ્યા છે, એમને અમે ટ્રેક કરી રહ્યા છીએ.” ઝારાએ
જણાવ્યુ.
“ઝારા અંબાજી સિક્યોરિટી
ખૂબ જ કડક હોય છે. ત્યાં દરેક એન્ટ્રન્સ પર હથિયારથી તૈનાત અફસર ઊભા હોય છે, ત્યાં કોઈ આતંકી અટેક કરવાનું વિચારે મને
નથી લાગતું...”
“ઠીક છે તો હું એ બંનેને
પૂછતાછ માટે અટકાવી લઉં છું...”
“નો વેઇટ, એમ કરવાથી જો એ બંને સાચા આતંકી હશે તો તેમણે
પ્લાન બદલી નાખશે. આપડે સૌથી પહેલા દરિયાકિનારે જોવું પડશે. કોઈપણ બેનામી બોટ કે
ખોવાયેલ અથવા ખાલી બોટ મળે તો સમજી જવાનું ટેરરિસ્ટ ગુજરાતમાં એન્ટર થઈ ગયા છે. જો
૧૨ વાગ્યા સુધીમાં બોટ ના મળે તો સમજી જવાનું હજી આપડે સેફ છીએ, તારી લીડ પછી ફોલો કરીશું.” તૃપ્તિએ કહ્યું.
“ઓકે. હું ચેક કરું છું
કોઈ અપડેટ હોય તો.” ઝારા
બોલી.
“ગુડ વર્ક બોથ ઓફ યુ!”
ભંવર બોલ્યો.
“આપડે એન્ડ સુધી આવી ગયા
છીએ...” રોનાલ્ડ બોલ્યો.
“મનેય એમ લાગે છે.” ઝારાએ
કહ્યું. તે પોતાની જગ્યા એ ગઈ. રોનાલ્ડ અને ભંવર પણ પાછા ફર્યા.
“હું પોરબંદર પોલીસને
જાણકારી આપું છું, જોઈએ
ક્યાં જવાય છે.” રોનાલ્ડે કહ્યું.
અગીયાર વાગે નેલ્સનની સ્ક્વોડ છાપો મારી, પાછી આવી ગઈ હતી. સ્ક્વોડે સમગ્ર લેબ સીલ
કરી, જરૂરી ડોક્યુમેંટ્સ અને સિરમ જપ્ત કરી. સિરમ બનાવનાર
બંને વૈજ્ઞાનિક શ્રીલંકન હતા. તેમની ધરપકડ કરી, પિરાના
કમિશ્નર કચેરી સોંપવામાં આવ્યા. સિરમના દસ્તાવેજ અને સિરમ ૧૧માં માળે મૂકવામાં
આવ્યા. નેલ્સન, રોનાલ્ડ, ભંવર અને આરવ
આ ગુપ્ત વાત જાણતા હતા કે સિરમના ઉપયોગથી શું પરિણામ આવી શકતું હતું?
ઝારા અને રોનાલ્ડ બંનેને લાગ્યું તૃપ્તિની લીડ ખોટી
નીકળશે. ઝારા બે શકમંદની હિલચાલ પર નજર રાખી રહી હતી. ૧૨ વાગ્યા સુધી રાહ જોઈ સમય વેડફ્વો
નિરર્થક લાગ્યો પણ તે બંને ખોટા પડ્યા. પોરબંદર પોલીસને એક બેનામી બોટ મળી આવી હતી.
તૃપ્તિનું તર્ક સાચું થર્યું હતું. જરૂર ભવનાથની તળેટી પર હુમલો કરવાની યોજના હોવી
જોઈએ. આજે ગુરુવાર હતો. શનિ-રવિ તળેટીએ મેળા જેવી ભીડ એકઠી થતી હોય છે, આ એંધાણ શું સૂચવી રહ્યા હતા?
*
(ટાવર-II પર હુમલો)
આજે આરવ અરધો કલાક વહેલા ઓફિસ આવ્યો હતો. ઝટપટ
૧૧માં માળે જઈ કાચની બ્હાર જોયું. દિવસના અજવાળામાં પણ એટલે દૂર સાફ દેખાતું ન
હતું. બે કુતરાની આકૃતિ જેવુ કઈક લાગ્યું. એક ચાલી રહ્યું હતું અને એક જમીન પર
આળોટતું હતું. આરવ ત્યાં જવા નીકળ્યો.
સાડા ચારે ભંવર આવ્યો, તેનું ધ્યાન પણ સૌપ્રથમ દક્ષિણ છેડે
પડ્યું. એક
મોટરસાઇકલ દક્ષિણ તરફ જતી દેખાઈ. તે એકાએક ઊભો થઈ ગયો. અન્ય કર્મચારીઓનું તેના પર
ધ્યાન પડ્યું. તે એમ.આર.-૧માં ગયો. દરવાજો બંધ કરી બ્હાર જોયું. એ જ જગ્યાએ મોટરસાઇકલ
થોભી, જ્યાં ગાડી ઊભી રહેતી હતી. ભંવરને
ભનક પડી, ત્યાં જરૂર કોઈ તપાસ કરવું ગયું
હશે. એ વિચારે તેને હચમચાવી મૂક્યો.
મુખ્ય માર્ગથી ટાવર-II તરફ બે રિક્ષા સફેદ ધુમાડો છોડતા
આવી રહી હતી. ડાબી-જમણી બાજુ
એક-એક રિક્ષા વળી ગઈ. મશીનમાંથી નીકળતો ધોળો ધુમાડો આખું વાતાવરણ ધુમ્મસમય બનાવી
રહ્યો હતો. આગળ-પાછળના માર્ગ સામે લગોલગ રિક્ષાઓ ઊભી રહી.
ટાવર-IIથી ૧.૮ કી.મી દૂર અંતરે આરવ મોટરસાઈકલ
પર ઊભો હતો. તેને પેલા જંગલી કુતરાનો ડર હતો. તે બાઇક પર બેસીને જ શક્ય તેટલો જોવા
પ્રયાશ કરવા માંગતો હતો. અત્યારે એકેય કૂતરો ત્યાં ન હતો દેખાઈ રહ્યો. બાઇક
સ્ટેન્ડ પર લગાવી તે નીચે ઉતર્યો. ૮માં માળેથી જોઈ રહેલા ભંવરના મનમાં ફાળ પડી. એક
માણસનું બાઇક જાડી-ઝાંખરાં પાસે ઉભેલું દેખાયું. એ વિસ્તારમાં ઊબકા આવે એવી બૂરી
વાસ મારી રહી હતી. નાકે રૂમાલ રાખી, સાવચેતીથી આરવ આગળ વધ્યો. બાવળની ડાળખી ઊંચી કરી તેણે જોયું. એ દ્રશ્યએ તેને
ખળભળાવી મૂક્યો.
ઊડતી માંખીઓ અને ફરતા જીવડાઓ
નીચે લોહિયાળ માંસના લોંદા પડ્યા હતા. પાસે એક કાળી થેલી પડી હતી એમાંથી માંસના
ગઠ્ઠા નીકળેલા હતા, જંગલી કુતરાઓએ
અણઘડપણે થેલી ફાડી હતી. તેના કાણાંમાંથી લોહીથી તરબતર આંતરડા જેવી હાર સહેજ બ્હાર
નીકળી હતી. બંજર જમીનની ખડબચ રેખાઓમાં લોહીની ધારા વહીને કાળી પડી ગઈ હતી. એકાદ બે
રક્તના ખાબોચિયા દેખાઈ રહ્યા હતા. અન્ય પાંચ થેલીઓ જમીન પર જેમ-તેમ પડી હતી. તેના
પર માંખીઓ ગણગણી રહી હતી.
ડાળખી હટાવી, આરવ અંદર ગયો. ૮માં માળેથી જોઈ
રહેલો ભંવર બબડ્યો: “નય, નય, નય!” એ જ ક્ષણે કાચની પેલે પાર
સફેદ આવરણ પ્રસરી ગયું. કાચની બ્હાર દેખાતા રસ્તા, ઇમારત, ગામ-જાડ-પાન-છોડ બધુ ધુમ્મસમાં
ઢંકાવા લાગ્યું. ભંવરે બારીનો કાચ લૂછ્યો. જાડી-ઝાંખરાં પાસે શું ચાલી રહ્યું હતું? ગમે તે કરી સામેનું દ્રશ્ય જોવા
માંગતો હતો. કાચની બ્હાર આખી અવની પર સફેદ ધુમ્મસની ચાદર ફેલાઈ ગઈ હોય એમ લાગ્યું.
એમ.આર. બ્હાર કોલાહલ મચી ગયો.
નેલ્સનના ડેસ્ક પાછળ કાચની દીવાલ પર ધુમ્મસ છવાઈ ગયો હતો. એવું લાગ્યું જાણે
વાદળોની વચ્ચે ઘેરાઈ ગયા હોય. સૌને સારું લાગ્યું, મન થયું અહીં ફોટા પડાવ્યા હોય તો
કેવી મજા આવે? પણ અફસોસ ઓફિસમાં ઇલેક્ટ્રીક
ઉપકરણ લાવવાની મનાઈ હતી. ઘણાને બ્હાર જઈ જોવાની જિજ્ઞાસા જાગી, આ ધુમાડો શેનો છે? અને ક્યાંથી આવે છે? એક્સેસ ડોર પાસે ભીડ થઈ ગઈ.
કર્મચારીઓ કાર્ડ સ્વાઈપ કરી રહ્યા હતા પરંતુ એક્સેસ ન હતું મળી રહ્યું, એરર આવવ લાગી. બ્હાર કકળાટ થવા
લાગ્યો. ભંવર બ્હાર નીકળ્યો.
“Everyone, everyone! આ એક આપાતકાલીન પરિસ્થિતી છે! સૌ
શાંતિ રાખો, આપણાંમાંથી કોઈ આ ફ્લોર છોડીને
ક્યાંય જશે નહીં.” રિશેપ્શન પર ઉભેલા સુરક્ષાકર્મીએ જણાવ્યુ. તેણે એક્સેસ ડોર
ડિસેબલ કરી દીધો હતો. અન્ય સુરક્ષાકર્મીએ મુખ્ય દરવાજો બંધ કર્યો. સૌ પૂછવા
લાગ્યા:”શું થયું?”
“કેમ
બ્હાર ના જય શકીએ?”
“ક્યાં
સુધી ઉપર રહેવું પડશે?” ભંવર
સુરક્ષાકર્મી પાસે ગયો. તેની નજીક આવી કાનમાં પૂછ્યું: “શું ચાલી રહ્યું છે?”
“We are Under attack!”
“What? By whom?”
“ખબર
નહીં. ગ્રાઉંડફ્લોરથી સમાચાર આવ્યા, હવે કોઈ જવાબ નથી આપી રહ્યું. કોઈ ફોન નથી ઉપાડતું.” સુરક્ષાકર્મી બોલ્યો.
“ઠીક
છે, કોલ ના કરીશ. આપણે આપણી રીતે
હેન્ડલ કરી લઈશું.
ટિમ! એવરિવન!(તાળી પાડી
પોતાની તરફ બોલાવ્યા) WE ARE UNDER ATTACK! કોણ છે? શું કામ કરે છે? કઈ નથી ખબર... પણ આપડે પરિસ્થિતી
પર કાબૂ મેળવી લઈશું. હું આશા રાખું છું આપ સૌ તમારા વેપન સાથે લાવ્યા હશો...”
“હા!”
“લાવ્યા
છીએ!” સમૂહમાં જવાબ આવ્યો.
“વેલ
ડન! આપણે સૌ અંદર ફ્લોરમાં જઈશું પોતાની જગ્યા પર. જો કોઈ આવતું જણાય તો ફાયર
કરવાની તૈયારી રાખીશું અંદરથી દરવાજો બંધ કરી ધુમાડો ઓછો થાય તેની રાહ જોઈશું.
ધુમાડો ઓછો થાય ત્યારે આપણે બહાર નીકળશુ, ઓલ ક્લિયર?”
“ઓકે.”
સમૂહમાં જવાબ આવ્યો.
“ચાલો
તો સહુ અંદર.” ભંવરે કહ્યું.
સૌ કર્મચારીઓ અંદર ગયા. ટાવર-IIની ઓળઘોળ બે રિક્ષા સતત ધુમાડો છોડતી
ફરી રહી હતી. ૨૮માળનો ટાવર-II ઘેરા આસમાની કાચની દીવાલોનો બનેલો
હતો, જેણે હાલ સફેદ ધુમ્મસ ધારણ કર્યું
હતું.
બે કાળા રંગની વેન આગળ-પાછળના
પ્રવેશમાર્ગે આવી. એમાંથી ૬-૬ બંદૂકધારી માણસો કાળા કપડાં અને રેસ્પિરેટર કાળા
માસ્કમાં સજ્જ નીચે ઉતર્યા. એક જણે પ્રવેશદ્વાર તરફ બોમ્બ ફેંક્યો. હાજર ઉભેલા સુરક્ષાકર્મી
થથરી ગયા. બોમ્બમાંથી વાસ નીકળવા લાગી. હાજર સુરક્ષાકર્મીઓને ગૂંગળામણ થવા લાગી. સુરક્ષાકર્મીઓ
બેભાન થવા લાગ્યા, ટપોટપ જમીન
પર ઢળવા લાગ્યા. પ્રવેશદ્વારે આ દ્રશ્ય જોઈ રિશેપ્શન પાસે ઉભેલા સુરક્ષાકર્મીએ આઠમા
માળે ફોન કરી ચેતવી દીધા હતા. સૌ કર્મચારીઓ અંદર સંતાઈ ગયા. ૧૦-૧૧માં માળે પણ સૌને
ચેતવી દેવામાં આવ્યા.
વેનમાંથી ‘Full protective bodysuit’ પહેરેલા બે આદમી પ્રવેશદ્વાર તરફ
ફર્યા તેમના હાથમાં બંદૂક હતી તેમણે ખભે ઓક્સિઝન ટેન્ક્સ ભરાવ્યું હતું. મોઢું આખું
ઢંકાઈ જાય એવા રેસ્પિરેટર માસ્ક પહેર્યા હતા. પાંચ પાછળ અને પાંચ આગળના માર્ગમાં
પ્રવેશ્યા. રિસેપ્શન પાસે બે સુરક્ષાકર્મી બંદૂક લઇ કવર લેવા દોડ્યા. એક આદમીએ
તેના પર બંદૂક ચલાવી. તેની બંદૂકમાંથી ૫૦૦૦ વોલ્ટનો કરંટ સુરક્ષાકર્મીના શરીરમાં
ત્રાટકયો. મરણતોલ ધ્રુજારી કરતો તે જમીન પર પછડાયો. તેનું શરીર નિર્જીવ વસ્તુ જેમ
વગર હલનચલને જમીન પર સંવેદન કરતું બંધ થઈ ગયું. અન્ય એકે બીજો સ્મોકબોમ્બ ફેંક્યો.
જેમાંથી ઘેન ચઢે એવી વાસ આવવા લાગી. દસેય જણ લિફ્ટ વિભાગમાં આવ્યા. પાંચ-પાંચની
ટુકડી એક-એક લીફ્ટમાં પ્રવેશી.
આઠમાં માળની લિફ્ટ ઉઘડી. તેઓ લોબીમાં આવ્યા, રિશેપ્શન પર હાજર બંને સુરક્ષાકર્મી કંઈક
બૂમ પાડી ડાબી તરફ દોડ્યા. બુલેટ/સાઉન્ડપ્રૂફ કાચનો પ્રવેશદ્વાર બંધ હતો માટે સંભળાયું નહી. ઓફિસમાં સંતાઈ બેઠેલા કર્મચારીઓને ખ્યાલ આવી ગયો. પાંચેયે દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો પણ મેળ ન પડ્યો. એકએ લોક પર ગોળી મારી પરંતુ દરવાજાને કઈ અસર ન થઈ. બાદ દરવાજાના નાકા પર ગોળી મારી જોઈ. પાંચેય મૂંઝાયા, મજબૂત દરવાજો કશી રીતે ઊઘડી ન હતો રહ્યો.
અંદર ભંવરે કોલ જોડવાના શરૂ કરી
દીધા હતા. પ્રથમ ગાંધીનગર એરફોર્સ સેન્ટર જાણ કરી બાદ, રોનાલ્ડને
જણાવ્યું. તે ઘરેથી ગિફ્ટ સિટી નીકળી રહ્યો હતો. રોનાલ્ડે તૃપ્તિને ઘરેથી જ કામ કરવા સૂચવ્યું. તે પોરબંદર પોલીસ વિભાગ સાથે બપોરની
શોધખોળમાં લાગી હતી. રાંદેસણ પોલીસ સ્ટેશન ખબર આપવામાં આવ્યા, પિરાના કમિશ્નર કચેરી વાત વહેતી કરી. ઓચિંતા આવા હુમલાથી ખળભળાટ
મચી ગયો. ગિફ્ટ સિટીમાં સૌથી વધારે સુરક્ષા નાકા અને ટાવરના પ્રવેશ દ્વાર પાસે હતી. આ લોકો તેમને નિપટાવી આટલે ઉપર આવ્યા. આ લોકોને હલકામાં લેવાની ભૂલ ન કરાય.
એક આદમી લિફ્ટ પાછળની ગલીમાં ગયો. ત્યાં આપાતકાલીન માર્ગ હતો. આ કેડી આગળ લાકડાનો દ્વાર પડતો. જ્યાં કાચની બારી હતી. એમાંથી ડાબી બાજુની
પેન્ટ્રી દેખાઈ પડતી. આદમીએ દરવાજા પર ગોળી ચલાવી. અન્ય ચારેયનું ધ્યાન
પડ્યુ. તેણે બીજી બે ગોળીઓ ચલાવી
લોક તોડી નાખ્યું. દરવાજો ખૂલ્યો. પેન્ટ્રીમાં બેસેલા બંને સુરક્ષાકર્મી સંતાઈ ગયા હતા. એક સુરક્ષાકર્મી આર.ઓ. મશીન પાસે અને
બીજો વોશરૂમની દીવાલે સંતાઈ ઉભો હતો. દરવાજો ઊઘડતાં બંનેએ ગોળીબાર શરૂ
કર્યો.
બહાર ઊભેલા આદમીએ
લિફ્ટની દિવાલનો ટેકો લીધો. તેણે પેન્ટ્રીમાં સ્મોક બોમ્બ નાખ્યો. ધુમાડો નીકળવા લાગ્યો. થોડી જ ક્ષણોમાં બંને બેભાન થઈ ગયા. પાંચેય જણ અંદર આવ્યા જગ્યાનું નિરીક્ષણ કરવા લાગ્યા. ફરતા-ફરતા પાંચેય રિશેપ્શન પાસે આવ્યા. બે જણ ડાબી તરફની પેન્ટ્રી બાજુ ગયા. અન્ય ત્રણ
ઓફિસના દ્વારે ઊભા રહ્યા. અંદરનો દરવાજો પણ બુલેટપ્રૂફ હતો. ત્રણેયએ દરવાજો ખેંચ્યો, ગોળીઓ મારી, ધક્કો માર્યો પરંતુ દરવાજો ઉઘડવાનું નામ ન’તો લેતો. એક આદમી પાછો ભાગ્યો. અન્ય બે મૂંઝાયા. થોડીવાર બાદ તે પેન્ટ્રી બાજુ બેભાન પડેલા સુરક્ષાકર્મીનું
આઇકાર્ડ લઈ આવ્યો. તેણે કાર્ડ સ્વાઈપ કર્યું દરવાજો ખૂલ્યો.
આગળના વિભાગમાં
કોઈ ન હતું. બધા પાછળ ટેબલ નીચે સંતાઈ ગયા
હતા. ધડાધડ ગોળીઓ પ્રવેશદ્વાર તરફ છૂટી. તે એકેય અંદર ન આવ્યા. તેમણે બ્હારથી જ બે સ્મોક
બોમ્બ અંદર નાખ્યા. ઝેરી ધુમાડો ફેલાવાનો
શરૂ થઈ ગયો. સૌ કર્મચારીઓને લાગ્યું હવે ખેલ પૂરો. આજે મૌત પાકું! ૮મો માળ સંપૂર્ણ રીતે હાઈજેક થવામાં ફક્ત થોડી ક્ષણોની વાર રહી હતી. ઝેરી વાસથી પ્રખર હરોળમાં બેસેલા સૌની જ્ઞાનચેતા મંદ થવા લાગી, આંખો બંધ થઈ રહી હતી. તેઓ ધીમે ધીમે લથડવા લાગ્યા. હવે, સમય આવી ગયો હતો ભંવર તેની સુપર પાવરનો ઉપયોગ કરે. તે બોલ્યો:
“ઇમેન્યુઅલ અને અઝીઝ, તમારી પાછળ બારી છે, તે કાચ ખોલી નાખો.”
“ભંવર બારનો ધુમાડો અંદર આવશે એનાથી બેભાન થઈ જઈશું.” અઝીઝે કહ્યું.
“નહીં થઈએ, જલ્દી કરો!” અઝીઝ અને ઇમેન્યુઅલે બારીઓ ખોલી. બ્હારનો સફેદ ધુમ્મસ અંદર આવવા
લાગ્યો. જેમાં ઘેની દવા મિશ્રિત
હતી.
ભંવર બોલ્યો: “બધા ઊંડા શ્વાસ લેજો, બને એટલું કોઈ સુગંધ કે અન્ય સ્મેલ અંદર જવા દેજો... જો ધુમાડો નાકમાં ઘૂસ્યો, તો મર્યા સમજજો!”
સ્નિગ્ધા અને ઉત્કર્ષે એકબીજાને આલિંગન આપ્યું. તેણે ઉત્કર્ષના શર્ટનું પ્રથમ
બટન ઉઘાડી, તેની છાતીમાં
સમાઈ ગઈ. ઉત્કર્ષની મર્દાના મહેકે
તેને ઉત્તેજિત કરી નાખી. સ્નિગ્ધાએ તેને ભીંસથી પકડી લીધો. ઉત્કર્ષે તેના વાળ ખોલી નાખ્યા અને તેના વાળમાં મોઢું નાખ્યું. સ્નિગ્ધાના વાળની ખુશ્બૂથી તે ટ્રાન્સમાં મદહોશ થઈ ગયો હોય એમ આંખો બંધ કરીને બેસી ગયો. અન્ય છ જણે પણ એવું કર્યું. બાકી સૌ સિંગલ માણા’ રૂમાલ કાઢી પોત-પોતાના નાક આગળ રાખ્યો. મિશન પરથી આવ્યા બાદ સ્નિગ્ધા અને ઉત્કર્ષ પરસ્પર નજીક આવ્યા હતા. એકમેકને ચાહે
છે એવું કહેવામાં શરમ આવતી હતી અને થોડો થોડો અહમ વચ્ચે આવી રહ્યો હતો. છતાં, બંને એકબીજા પ્રત્યે સ્નેહભાવ દર્શાવતા. ઓફિસમાં ઘણાને લાગતું
હતું તેમનું ચક્કર ચાલે છે પણ અહીં વાત એકબીજાને જોઈ રહેવાથી આગળ અત્યાર સુધી ન હતી
વધી.
“વેલકમ ટુ વિન્ટર!” ભંવર બોલ્યો.
તેણે પર્સનલ ફોન બ્હાર કાઢ્યો. એફ.બી.આઈ.એ તેના મોબાઇલમાં
એવી ટેક્નોલોજી ફીટ કરી હતી કે સમગ્ર ટાવર-IIનું નિયમન તેના મોબાઈલથી કરી શકાતું. આ બાબત f.b.i. અને ભંવરે i.b.થી છુપાવી હતી. સમગ્ર ટાવર-II અલ્ટ્રા સેન્ટ્રલ એરકન્ડીશનથી ચાલતું. આ ઉપકરણથી દરેક માળમાં હવા પ્રસરતી. આ સિસ્ટમ તાપમાનનું નિયમન પણ કરતું. પાંચ મિનિટમાં જ તાપમાન ૧૧॰ ડિગ્રી જેટલું કરી શકાતું. તો એનાથી અવળું ૩૮
ડિગ્રી સુધી ગરમ કરી શકાતું. ભંવરે તાપમાન ઓછું કરી ૧૩॰ પર સેટ કર્યું.
સ્પેસ શટલ લોન્ચ કર્યું હોય એવો ઘેરો અવાજ ઉદ્ભવ્યો. સૌનું ધ્યાન છત પર પડ્યું, એમાંથી અવાજ આવી
રહ્યો હતો. છતની એર વિન્ડોઝની જાળીઓમાંથી ખૂબ જ તેજ વેગે પવન
ફૂંકાયો. ‘Smoke bombs’ આગળના વિભાગમાં ફૂટયા હતા. આઇ.બી.ના કર્મચારીઓ ૩૦ કદમ પાછળ હતા. ઉપરથી ફૂંકાતી
હવા ઝેરી વાયુની અસર મંદ કરવા લાગી. જો કર્મચારીઓ થોડો સમય શ્વાસ રોકી, સભાન રહી જાય તો બચી શકે એમ હતા. આગળનો વિભાગ ધુમ્મસમાં પલટાય ગયો. ધીમે-ધીમે વાયુ
તેમની તરફ આવી રહ્યો હતો. ત્રણ આદમી ઓફિસમાં પ્રવેશ્યા. પ્રથમ બે કમ્પ્યુટર ચાલુ કર્યા. એક આદમીએ કમ્પ્યુટરની હાર્ડડ્રાઈવ ખેંચી થેલામાં મૂકી. પાછળ સંતાઈને બેસેલા કર્મચારીઓ બેભાન થવા લાગ્યા હતા. ભંવર પણ હોશમાં રહેવા પ્રયત્ન કરી
રહ્યો હતો. પેન્ટ્રી તરફ ગયેલા અન્ય બે
આદમી ઝડપથી પાછા આવી ગયા અને કમ્પ્યુટરમાં પેનડ્રાઈવ ભરાવી.
દિલદારસિંહ પોલીસની ટુકડી સાથે ટાવર-II આવવા નીકળી ગયો
હતો. ગિફ્ટ સિટીના પ્રવેશ માર્ગે દસ બંદૂકધારી આદમીઓએ એમનો રસ્તો રોક્યો. એ દસેય જણે
રેસ્પિરેટર માસ્ક પહેર્યા હતા. જાડી-ઝાંખરાંમાં માંસના લોંદા જોઈ આરવ અચંબિત થઈ ગયો. તે પાછો વાળ્યો. સામે ટાવર-II તરફ જોયું તો છક થઈ ગયો. ઇમારતની જગ્યાએ મોટો
ધુમ્મસનો પહાડ ઊભો હોય એમ દેખાઈ પડ્યું. શું હતું આ? શું ચાલી રહ્યું હતું?
ટાવર-IIના આગળ-પાછળના દ્વાર પાસે બે કાળી વેન ઊભી હતી. પાસે બે માણસ કાળા
કપડાં-મોટા માસ્ક ચડાવી ઊભા હતા. તેમનું આખું શરીર કપડાં, બુટ, હાથમોજા અને મોઢા પર રેસ્પિરેટર માસ્કથી ઢંકાયેલું હતું. તેમના હાથમાં બંદૂક
હતી. ટાવર-IIની ઓળઘોળ બે રિક્ષા ધુમાડો છોડતી ફરી રહી હતી. ગિફ્ટ
સિટીમાં આ બધુ શું ચાલી રહ્યું હતું?
(ક્રમશ:)
વાંચન ચાલું રાખો, આગળનું પ્રકરણ વાંચવાં અહીં ક્લિક કરો:પ્રકરણ:૯ પારદર્શિતા
Comments
Post a Comment